
ભરૂચ,21 જુલાઈ (હિ.સ.) આમોદ તાલુકાના નાહિયેર ગામમાં ગ્રામ વિકાસને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ થયો છે. ગામના વહીવટી કામકાજને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત જંબુસર-આમોદના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના શુભ હસ્તે કરવામાં આવ્યું છે.
પ્રસંગ દરમિયાન ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપતાં જણાવ્યું કે પંચાયત ભવનનું નિર્માણ કાર્ય મંજૂર થયેલા એસ્ટીમેટ, ગુણવત્તાના તમામ ધોરણો અને સંપૂર્ણ પારદર્શિતા સાથે જ કરવામાં આવે. કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગુણવત્તામાં સમાધાન કે વિલંબ સહન કરવામાં આવશે નહીં અને નિર્ધારિત સમયમર્યાદામાં ભવન પૂર્ણ કરી ગ્રામજનોને સમર્પિત કરવામાં આવે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ, નાહિયેર ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસકાર્યને આવકાર્યું હતું.
આ નવું પંચાયત ભવન માત્ર એક ઈમારત નહીં, પરંતુ નાહિયેર ગામના વિકાસ, સુશાસન અને લોકસુવિધાઓને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ