
ભાવનગર,21 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે યોજાયેલા ભરતીમેળામાં જિલ્લા માહિતી કચેરી દ્વારા રોજગારવાંચ્છુ યુવાનોને રાજ્ય સરકારના 'ગુજરાત' પાક્ષિક અને 'પ્રકીર્ણ' જેવા સરકારી પ્રકાશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલને યુવાનો દ્વારા આવકારવામાં આવી હતી અને સરકારી પ્રકાશનોને વિશ્વસનીય માહિતીના અસરકારક માધ્યમ તરીકે બિરદાવવામાં આવ્યા હતા.
ભરતીમેળામાં હાજર બી.ઈ. (મિકેનિકલ) પૂર્ણ કરનાર વિશાલ ડાભીએ જણાવ્યું હતું કે, આવા પ્રકાશનો દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસકાર્યો અને રોજગાર સંબંધિત માહિતી સરળ અને અધિકૃત રીતે પ્રાપ્ત થાય છે. યુવાનો માટે આ પ્રકાશનો માર્ગદર્શક સમાન બની જ્ઞાનમાં વધારો કરે છે.
અધેવાડાના રહેવાસી તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં એપ્રેન્ટિસ તરીકે કાર્યરત શિવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરકારી પ્રકાશનો વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે પ્રમાણભૂત માહિતીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને તેનો લાભ વધુમાં વધુ યુવાનો સુધી પહોંચવો જોઈએ.
એકાઉન્ટ ક્ષેત્રમાં ભરતી માટે અરજી કરનાર ગોપાલ ઢાપાએ જણાવ્યું હતું કે, 'ગુજરાત' પાક્ષિક અને 'પ્રકીર્ણ' દ્વારા સરકારની વિવિધ પ્રવૃત્તિઓ, યોજનાઓ અને રોજગાર સંબંધિત માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થતી હોવાથી યુવાનો સતત માહિતગાર રહે છે.
નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની કૃપાલી મકવાણાએ જણાવ્યું હતું કે, ભરતીમેળામાં મળેલા સરકારી પ્રકાશનો દ્વારા મહિલા સશક્તિકરણ, જનકલ્યાણકારી યોજનાઓ અને રોજગારલક્ષી માહિતી વિશ્વસનીય રીતે જાણવા મળી છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
જિલ્લા માહિતી કચેરીની આ માહિતીસભર પહેલના પરિણામે ભરતીમેળામાં ઉપસ્થિત યુવાનોને સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને રોજગારની તકો અંગે અધિકૃત માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ હતી. આ પહેલથી યુવાનોમાં માહિતી પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે સરકાર અને નાગરિકો વચ્ચે માહિતીનું અસરકારક સેતુ પણ મજબૂત બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA