


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર સાગરભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સભામાં શહેરના વિકાસલક્ષી કાર્યો, વહીવટી વ્યવસ્થાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો, પ્રજાલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ મહત્વપૂર્ણ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી અને જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા.
સભાની શરૂઆતમાં તા. 18 જૂન,2026 ના રોજ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સભામાં પેરેડાઈઝ સિનેમા વિસ્તાર ખાતે મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરાયેલા વેજીટેબલ માર્કેટની લાંબા સમયથી ખાલી રહેલી દુકાનોને કાર્યરત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. જાહેર હરરાજી પ્રક્રિયા બાદ પ્રાપ્ત અરજીઓના આધારે દુકાન નંબર 12 અરજદાર સુનિલ બચુભાઈ કનોજીયાને રૂ. 4,55,000 ની ઓફર મુજબ ફાળવવા તેમજ કરાર, કબજો સોંપણી અને અનુગામી કાર્યવાહી હાથ ધરવા માટે કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા. રાજ્યપાલના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા પોરબંદર શહેરમાં નવા વેચાણ કેન્દ્રો શરૂ કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. હાલ તાલુકા પંચાયત કચેરી ખાતે એક કેન્દ્ર કાર્યરત છે ત્યારે વધુ બે કેન્દ્રો શરૂ કરવા માટે પેરેડાઈઝ શોપિંગ સેન્ટરની ઉપલબ્ધ દુકાનોમાંથી બે દુકાનો આત્મા પ્રોજેક્ટ દ્વારા સૂચિત લાભાર્થીઓને નિયત શરતોને આધીન હંગામી ધોરણે ફાળવવાની મંજૂરી આપવામાં આવી. ઉપરાંત વાડી પ્લોટ ખાતે મહાનગરપાલિકાના ખર્ચે અંદાજે 100 થી 200 ચોરસ ફૂટનું કન્ટેનર સ્થાપિત કરી ત્યાં પણ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે કેન્દ્ર શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવા કમિશનરશ્રીને અધિકૃત કરવામાં આવ્યા. સ્ટ્રીટ વેન્ડર્સના હિતોના સંરક્ષણ અને શહેરમાં વ્યવસ્થિત વેન્ડિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે મહાનગરપાલિકા કક્ષાની ટાઉન વેન્ડિંગ સમિતિમાં મહાનગરપાલિકાના સભ્યની નિમણૂક કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો. આ સમિતિ દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને કાયદાકીય સુરક્ષા, સુવિધાઓ અને વ્યવસ્થિત વ્યવસાયનું વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં સહાય મળશે. મહાનગરપાલિકાના સુચારૂ, પારદર્શક અને જવાબદાર સંચાલન માટે જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ તથા વિવિધ ખાસ સમિતિઓના સંચાલન માટે વર્ષ 2026 ના નવા નિયમોના ડ્રાફ્ટને મંજૂરી આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો. આ નિયમોને રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે, જેના કારણે મહાનગરપાલિકાની નિર્ણય પ્રક્રિયા વધુ કાર્યક્ષમ, સમયબદ્ધ અને પારદર્શક બનશે. સભામાં નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને અગાઉ ઘટાડવામાં આવેલા વિવિધ વેરા સુધારા નિયમોને બહાલી આપવામાં આવી. તેમાં મિલકત નામ ટ્રાન્સફર ફી, સામાન્ય પાણી વેરો, સામાન્ય ગટર વેરો, ખાસ ગટર વેરો, સામાન્ય સફાઈ વેરો, ખાસ સફાઈ ઉપકર તથા સ્ટ્રીટ લાઇટ વેરાના સુધારા નિયમોનો સમાવેશ થાય છે. આ સુધારા નિયમોને રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ અમલમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકાના વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 ના વિવિધ સંવર્ગોમાં ભરતી અને બઢતી માટે તૈયાર કરાયેલા નિયમોના ડ્રાફ્ટને પણ મંજૂરી આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો. આ નિયમોના અમલથી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક, ગુણવત્તાસભર અને નિયમબદ્ધ બનશે તેમજ મહાનગરપાલિકામાં જરૂરી માનવબળની ભરતી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે. સભામાં રજૂ થયેલા તમામ એજન્ડા મુદ્દાઓ પર જરૂરી ચર્ચા કર્યા બાદ સંબંધિત કાર્યવાહી સમયસર પૂર્ણ થાય તે માટે કમિશનરશ્રીને જરૂરી સત્તા સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલા અન્ય મુદ્દાઓ પર જરૂરી નિર્ણયો કરવામાં આવ્યા. પોરબંદર મહાનગરપાલિકા નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા, પારદર્શક વહીવટને પ્રોત્સાહન આપવા, શહેરી સુવિધાઓમાં સતત વધારો કરવા તેમજ પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. જનરલ બોર્ડની આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો શહેરના ભાવિ વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ, પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન, સુવ્યવસ્થિત વહીવટ અને મજબૂત શહેરી શાસનની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ બેઠકમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિત કોર્પોરેટરઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya