
સોમનાથ, 21 જુલાઈ (હિ.સ.) સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નલિયા માંડવી અને ખજૂદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અન્વયે જિલ્લા આપત્તિવ્યવસ્થાપન શાખા, ગીર સોમનાથ દ્વારા એસ.ડી.આર.એફ.ના સહયોગથી આપત્તિ વ્યવસ્થાપન અંગે લોકજાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને આપત્તિના સમયે અપનાવવાના સલામતીના પગલાં, પૂર્વ તૈયારીનું મહત્વ, સમયસર સ્થળાંતર, પ્રાથમિક સારવાર, શોધ અને બચાવ તેમજ આપત્તિના સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ દરમિયાન એસ.ડી.આર.એફ.ની ટીમ દ્વારા સી.પી.આર. (CPR), લાઈફ જૅકેટનો યોગ્ય ઉપયોગ, ઇજાગ્રસ્ત વ્યક્તિને સ્ટ્રેચર દ્વારા સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ, બચાવ કામગીરીમાં ઉપયોગી વિવિધ સાધનોનું નિદર્શન તેમજ ઘરમાં ઉપલબ્ધ સામાન્ય સાધનો વડે પ્રાથમિક બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત તમામને આપત્તિ સમયે ગભરાયા વિના સજાગ રહેવા, પૂર્વ તૈયારી રાખવા તથા સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ