
સોમનાથ, 21 જુલાઈ (હિ.સ.) વેરાવળ બસ સ્ટેશન ખાતે શાંતિ અને સંવાદિતા અભિયાનના ભાગરૂપે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ડેપો પરિસરમાં સકારાત્મકતા તરફ વિષય પર એક પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો.
‘પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય’ના બહેનો દ્વારા શાંતિ અને સદભાવના અભિયાન અંતર્ગત બસસ્ટેશન ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હકારાત્મકતા તરફ વિષય થકી સકારાત્મક વિચાર, માનસિક શાંતિ, તણાવમુક્ત જીવનનું મહત્વ સ્પષ્ટ કરી મનુષ્ય જીવનમાં તેની ઉપયોગીતા સમજાવી હતી.
તણાવમુક્ત જીવન થકી કાર્યદક્ષતામાં વધારો થાય છે, જેને પોતાના જીવનમાં ઉતારી પોતાની દૈનિકધોરણની દિનચર્યામાં તેનાથી થતા ફાયદા વિશે ડેપોના સ્ટાફ ડ્રાઇવર/કન્ડક્ટર/મિકેનિક/ વહીવટી/ ટ્રાફિક સ્ટાફ તેમજ મુસાફરોને સમજાવી પોતાના જીવનમાં સકારાત્મકતા લાવવા સંકલ્પબ્ધ થયા હતાં.
આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના ભારતી દીદીએ કહ્યું હતું કે, સકારાત્મક વિચારો જીવનમાં સફળતા, ખુશી અને આત્મવિશ્વાસનો પાયો છે. તેમણે સરળ, પ્રભાવશાળી અને પ્રેરણાદાયક રીતે સકારાત્મક વિચારસરણી, માનસિક શાંતિ, તણાવમુક્ત જીવન અને પ્રેરણાત્મક મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું.
ડેપો મેનેજર દિલીપભાઈ શામળાએ બ્રહ્માકુમારી સંસ્થા અને બ્રહ્માકુમારી ભારતી દીદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમયાંતરે યોજાતા આવા કાર્યક્રમો કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવી અને સકારાત્મક કાર્ય કરવા પર ભાર મૂકે છે. તેમજ પરસ્પર સંવાદિતાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ