વડાપ્રધાનના ‘નેટ ઝીરો’ વિઝનની દિશામાં ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ,1 વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં 49.79 મિલિયન ટનનો વિક્રમી ઘટાડો
ગાંધીનગર,21 જુલાઇ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે હંમેશાં ‘ક્લીન એન્ડ ગ્રીન ઇન્ડિયા’ના વિઝન પર ભાર મૂક્યો છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે આર્થિક પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ બંને સમાંતરે ચાલવા જોઇએ, જેથી આગામી પેઢીઓને સુરક્ષિત
વડાપ્રધાનના ‘નેટ ઝીરો’ વિઝનની દિશામાં ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ,1 વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં 49.79 મિલિયન ટનનો વિક્રમી ઘટાડો


ગાંધીનગર,21 જુલાઇ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે હંમેશાં ‘ક્લીન એન્ડ ગ્રીન ઇન્ડિયા’ના વિઝન પર ભાર મૂક્યો છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે આર્થિક પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ બંને સમાંતરે ચાલવા જોઇએ, જેથી આગામી પેઢીઓને સુરક્ષિત અને ટકાઉ ભવિષ્ય મળી શકે. વડાપ્રધાનના આ જ વિઝનને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન એનર્જી એટલે કે હરિત ઊર્જા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

1 વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો, સાથે જ રેકોર્ડ 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું પણ ઉત્પાદન

નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતે ફક્ત એક વર્ષની અંદર 49.79 મિલિયન ટન (mtCO₂e) કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા હાંસલ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્યના ઇતિહાસમાં કોઇપણ એક વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધવામાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. આ ઐતિહાસિક સિદ્ધિનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોનું ઝડપી ગતિએ વિસ્તરણ થયું છે. તેના પરિણામે ગુજરાતે માત્ર એક જ વર્ષમાં 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું રેકોર્ડ ઉત્પાદન પણ નોંધાવ્યું છે.

રાજ્ય સરકારની ગ્રીન એનર્જી સંબંધિત પહેલો, પર્યાવરણને અનુકૂળ નીતિઓ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઝડપી વિસ્તરણના પરિણામે ગુજરાતને છેલ્લા 5 વર્ષોમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું રોકવામાં સફળતા મળી છે. આંકડાઓ પર નજર નાખીએ તો, રાજ્યમાં દર વર્ષે લગભગ 442 મિલિયન ટન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. પરિણામે, છેલ્લા પાંચ વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં થયેલો ઘટાડો, જે કુલ વાર્ષિક ઉત્સર્જનના આશરે 40 ટકા જેટલો છે, તે એ વાતનો પુરાવો છે કે ગુજરાતે ટકાઉ અને હરિયાળા વિકાસનું મજબૂત મોડેલ રજૂ કર્યું છે, જે વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણને અસરકારક રીતે સંતુલિત કરે છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ગ્રીન એનર્જીનો વ્યાપક ઉપયોગ કોલસા અને અન્ય અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડે છે, જેનાથી કાર્બન ઉત્સર્જનમાં સીધો ઘટાડો થાય છે. આ જ કારણ છે કે, આજે વિશ્વભરમાં રિન્યુએબલ એનર્જીને ક્લાઇમેટ ચેન્જ માટેની લડાઇનું સૌથી અસરકારક માધ્યમ માનવામાં આવે છે.

કાર્બન ઉત્સર્જન એ ફક્ત પર્યાવરણીય મુદ્દો જ નથી, પરંતુ તે લોકોના આરોગ્ય, હવામાન અને જીવનશૈલી સાથે સંકળાયેલો મુદ્દો છે. વાતાવરણમાં વધતું કાર્બન ઉત્સર્જન ગ્લોબલ વોર્મિંગ, અતિશય ગરમી, અનિયમિત વરસાદ, પૂર અને દુષ્કાળ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. તેનાથી વિપરીત, ગ્રીન એનર્જીનો ઉપયોગ પ્રદૂષણ ઘટાડે છે, હવાની ગુણવત્તામાં સુધારો કરે છે અને આરોગ્યના જોખમો ઘટાડે છે. પર્યાવરણીય નિષ્ણાતો માને છે કે સૌર અને પવન ઊર્જા જેવા સ્વચ્છ ઊર્જા સ્ત્રોતો ભવિષ્યમાં પર્યાવરણીય સંરક્ષણનો આધાર તો બનશે જ, પરંતુ ઊર્જા સંરક્ષણ અને આર્થિક વિકાસ માટેના પણ મહત્વપૂર્ણ આધારસ્તંભો સાબિત થશે.

આ નોંધપાત્ર સિદ્ધિ દ્વારા, રાજ્ય સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાત ફક્ત નિર્ધારિત લક્ષ્યાંકોને પૂર્ણ કરવા સુધી જ સીમિત નથી રહેતું, પરંતુ આબોહવા પરિવર્તન સામે નવા માપદંડો પણ સ્થાપિત કરી રહ્યું છે. રાજ્યમાં અમલમાં મૂકવામાં આવેલી નીતિઓ, જેમ કે 'ઇન્ટિગ્રેટેડ RE પોલિસી 2026', 'ગ્રીન હાઇડ્રોજન પોલિસી' અને 'ગુજરાત પંપ સ્ટોરેજ પોલિસી'એ પર્યાવરણીય સંરક્ષણ માટેના અભિયાનને નવી ગતિ આપી છે.

ઊર્જા વિભાગની સખ્ત દેખરેખ હેઠળ GUVNL (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ), GEDA અને GPCL જેવી સંસ્થાઓના સતત પ્રયાસોને કારણે, આજે રાજ્યના વીજ ઉત્પાદન મિક્સમાં ગ્રીન એનર્જીનો હિસ્સો ઝડપથી વધ્યો છે, જેના કારણે હવાની ગુણવત્તામાં મોટો અને સકારાત્મક સુધારો થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો બનાવવાના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ દિશામાં, રાજ્ય સરકારે 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર કર્યો છે. ગુજરાતની આ સિદ્ધિ ફક્ત રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતના વૈશ્વિક આબોહવા સંબંધિત લક્ષ્યાંકો અને પેરિસ કરાર હેઠળ કરવામાં આવેલા સંકલ્પોને મજબૂત આધાર પ્રદાન કરે છે. ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસની દિશામાં ગુજરાત આજે દેશ માટે એક પ્રભાવશાળી મોડેલ તરીકે ઉભરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande