
અમરેલી,21 જુલાઈ (હિ.સ.)
ધારી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરીના ગુનાનો અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સફળતાપૂર્વક ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે એલસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના સહિત કુલ અંદાજે ₹1,14,910નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી ધારી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે.
પકડાયેલા આરોપીઓમાં નીતિન સોલંકી, અજય વાઘેલા અને જયરાજ વાઘેલાનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે, જેથી અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
અમરેલી LCBની આ ઝડપી કામગીરીને કારણે ચોરીનો ભોગ બનેલા પરિવારને રાહત મળી છે, જ્યારે જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ સામે પોલીસની સતર્ક કામગીરી વધુ એક વખત સામે આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai