
- જુનાગઢના મ્યુનિ.કમિશનર પ્રભવ જોશીને જીઆઇડીસીના જોઈન્ટ એમડી બનાવ્યા
ગાંધીનગર,21 જુલાઇ (હિ.સ.) ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલની મંજૂરી બાદ 21 જુલાઈ, 2026ના રોજ 28 આઈએએસ અને જીએએસ કેડરના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ (પર્સનલ) ડૉ. અંજુ શર્મા દ્વારા આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. વિવિધ સરકારી નિગમો, વીજ કંપનીઓ, મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં અધિકારીઓની નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
રાજ્યની વિવિધ વીજ કંપનીઓમાં મહત્વની નિમણૂકો
ગૌરાંગભાઈ એચ. મકવાણાની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ.
કે. જે. રાઠોડને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL), સુરતના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ.
એમ. ડી. ચૂડાસમાની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ.
ડી. કે. પટેલને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગરના ડિરેક્ટર બનાવાયા.
મહાનગરપાલિકા અને શહેરી વિકાસમાં ફેરફાર
પ્રભાવ જોશીને GIDC, ગાંધીનગરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી અપાઈ છે. જ્યારે સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે, આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે અને સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્યના 5 જિલ્લાઓમાં નવા ડીડીઓ
જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે પણ મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. એચ. જે. પ્રજાપતિને અમરેલી, કે. પી. જોશીને દેવભૂમિ દ્વારકા, ડી. કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગર, હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદ અને કે. એસ. ઝાલાને ડાંગ-આહવા DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
મહત્વના નિગમો અને વિભાગોમાં પણ ફેરફાર
એમ. પી. પંડ્યાને ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, બી. કે. જોશીને રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ, સી. બી. ગણાત્રાને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને પી. બી. રાઠોડને ડિરેક્ટર, સ્કિલ ડેવલપમેન્ટ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારના વહીવટી તંત્રને વધુ સુગઠિત અને કાર્યક્ષમ બનાવવા માટે આ બદલીઓ અને નિમણૂકો કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ જેમીન શાહ દ્વારા સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
જ્યારે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના Class-1 (Selection/Senior Scale) કક્ષાના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ મુજબ વી. કે. પટેલને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એ. કે. પ્રજાપતિને અરવલ્લી-મોડાસા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, ડી. એન. સાતાણીને ગાંધીનગરના સિવિલ સપ્લાય્સ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર, જી. વી. મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરી અને વાય. એસ. ચૌધરીને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ઉપરાંત એ. કે. કલસારિયાને ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ નિયામક કચેરીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી, એમ. આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી અને કે. એસ. ડાભીને વલસાડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. ડી. એમ. ગોહિલને સુરતની વિશલેષણ કમિટીના જોઈન્ટ કમિશનર, એ. એ. ડોડિયાને અમરેલીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, જ્યારે પી. સી. દવે અને બી. આર. અહીરને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કે. બી. પટેલને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગના એડિશનલ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ