
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીની સૂચનાથી તથા મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાગરિકોને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, વેચાણ અને પીરસવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાના અધિકારી વી. એમ. ઠકરારે જણાવ્યું છે કે તમામ ખાદ્ય વ્યવસાયકારોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ તથા સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. જો કોઈ વેપારી દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી શાખા દ્વારા વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે ખાદ્ય પદાર્થોને હંમેશા ઢાંકીને રાખવા, વાસી અથવા બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું તેમજ ગ્રાહકોને હંમેશા તાજા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો જ ઉપલબ્ધ કરાવવા. ભજીયા, બ્રેડ પકોડા, સમોસા સહિતના ગરમ ખાદ્ય પદાર્થો છાપા, મેગેઝિન અથવા અન્ય છાપેલ કાગળમાં પીરસવા કે પાર્સલ કરવા નહીં, કારણ કે આવા કાગળમાં રહેલી શાહી અને રસાયણો આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. તેના બદલે ફૂડ ગ્રેડ પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવો. વેપારીઓને ખાદ્ય પદાર્થોના પેકિંગ દરમિયાન સ્ટેપલર પીનનો ઉપયોગ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. પેકિંગ માટે સલામત અને ફૂડ ગ્રેડ સામગ્રીનો ઉપયોગ કરવો તેમજ ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સાવચેતી રાખવી. આ ઉપરાંત દુકાન, લારી, ગલ્લા તથા હોટલ-રેસ્ટોરન્ટ સહિતના તમામ ખાદ્ય વ્યવસાય સ્થળોએ સ્વચ્છતા જાળવવી, કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરવું તથા કચરાના યોગ્ય નિકાલ માટે ડસ્ટબિન ફરજિયાત રાખવું અનિવાર્ય હોવાનું જણાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તમામ ખાદ્ય વ્યવસાયકારોને નાગરિકોના આરોગ્યને સર્વોપરી માની નિયમોનું સ્વૈચ્છિક અને ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. ફૂડ સેફ્ટી શાખા દ્વારા સમયાંતરે નિરીક્ષણ હાથ ધરવામાં આવશે અને નિયમોના ઉલ્લંઘન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya