જામનગર : લાલપુર તાલુકાના મેઘપર ગામમાં મકાનમાંથી દાગીના ગાયબ, ચોરી થયાની શંકા
જામનગર, 21 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે રહેતા રાજેશભાઈ નરભેરામ અગ્રાવતે પોતાના રહેણાંક મકાનમાંથી રૂ. 50,500ના સોનાના દાગીના ગાયબ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધ
પોલીસ ચોરી ફરિયાદ


જામનગર, 21 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે રહેતા રાજેશભાઈ નરભેરામ અગ્રાવતે પોતાના રહેણાંક મકાનમાંથી રૂ. 50,500ના સોનાના દાગીના ગાયબ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ગત તા. 28 એપ્રિલ 2026ના રોજ ફરિયાદીના પત્ની મીતાબેને કબાટના લોકરમાંથી સોનાના બુટીયાની એક જોડી રીપેરિંગ માટે કાઢી હતી. તે સમયે ઉતાવળમાં કબાટનું લોક મારવાનું રહી ગયું હતું. ત્યારબાદ બંને પતિ-પત્ની જામનગર રીપેરિંગ માટે ગયા હતા અને બુટીયા પહેરી લીધા હતા.

પછી તા. 28 મે 2026ના રોજ પત્ની પૈસા મૂકવા માટે લોકર ખોલતાં અંદર રાખેલો ત્રણ તોલાનો સોનાનો હાર અને બે તોલાની સોનાની ચેઈન-પેન્ડલ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે અન્ય સોનાના દાગીના લોકરમાં યથાવત હતા. પરિવારજનો સાથે સમગ્ર ઘરમાં શોધખોળ કરવા છતાં દાગીના મળી આવ્યા ન હતા, અને પરિવારના સભ્યોએ પણ દાગીના લીધા ન હોવાનું જણાવ્યું હતું.

ફરિયાદીએ જણાવ્યું છે કે, ત્રણ તોલાના હારની કિંમત રૂ. 30,300 તથા બે તોલાની ચેઈન-પેન્ડલની કિંમત રૂ. 20,200 મળી કુલ રૂ. 50,500ના દાગીના ગાયબ થયા છે. આ સમયગાળા દરમિયાન પરિવારના સભ્યો ઉપરાંત ઘરમાં અવરજવર કરનારાઓમાંથી કોઈએ ચોરી કરી હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદીએ દાગીનાનું બિલ હાલમાં ઉપલબ્ધ ન હોવાનું, પરંતુ બાદમાં મળી આવશે તો પોલીસ સમક્ષ રજૂ કરવાની તેમજ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં પહેરેલા દાગીનાના ફોટોગ્રાફ પોલીસને સુપરત કર્યાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande