
જૂનાગઢ,21 જુલાઈ (હિ.સ.) રાજ્યના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલિટરી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી પામે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા 30 દિવસીય સંપૂર્ણ નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે.
આ તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા તથા જમવાની નિઃશુલ્ક સુવિધા સાથે ભરતી પ્રક્રિયાને અનુરૂપ શારીરિક તેમજ લેખિત પરીક્ષાની સઘન તાલીમ આપવામાં આવશે. શારીરિક તાલીમમાં દોડ, લાંબો કૂદકો, પુલ-અપ્સ સહિતની વિવિધ કસોટીઓનો સમાવેશ કરવામાં આવશે.
તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ ધોરણ-10 માં ઓછામાં ઓછા 45 ટકા ગુણ અથવા ધોરણ-૧૨માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે કોઈપણ પ્રવાહમાં પાસ થયેલા હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 17.5 વર્ષ થી 23 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. ઉપરાંત, ઊંચાઈ 162 સેન્ટિમીટર, વજન 50 કિલોગ્રામ તથા છાતીનું માપ ફુલાવ્યા વગર 77 સેન્ટિમીટર અને ફુલાવ્યા બાદ 82 સેન્ટિમીટર હોવું આવશ્યક છે.
રસ ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે રૂબરૂ 30 જુલાઇ સુધીમાં અરજી આપવાની રહેશે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલા ઉમેદવારો આ તાલીમમાં જોડાઈ શકશે નહીં. તાલીમ માટે ઉમેદવારોની અંતિમ પસંદગી સંરક્ષણ દળોના નિર્ધારિત શારીરિક માપદંડો મુજબ કરવામાં આવશે. તેમજ આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ