
કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) ભુજના નવનીતનગર–કોવઈનગર વિસ્તારમાં આવેલ ભગવાન મુનિસુવ્રત સ્વામી જિનાલય સંકુલના અમરસન્સ ઉપાશ્રયમાં રવિવારે ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે નિપુણાબાઈ મહાસતીજી અને અર્પણાબાઈ મહાસતીજી સહિત ઠાણા બેનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો હતો. ઢોલ-શરણાઈના મંગલનાદ, સામૈયા અને જયઘોષ વચ્ચે સાધ્વી ભગવંતોના આગમનથી સમગ્ર પરિસર આધ્યાત્મિક ભાવનાથી ઝળહળી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બન્યા હતા.
અનશનવ્રતધારી જૈન સમાજરત્ન તારાચંદ જગશીભાઈ છેડાની પ્રેરણા અને સંઘના ચેરમેન જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ભુજ કચ્છ વી.ઓ. જૈન સંઘના આગેવાનો, ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ કેસરી આચાર્ય ભગવંત પૂનમચંદ્રજી મહારાજસાહેબ તેમજ પૂજ્ય સુનંદાબાઈ મહાસતીજીના શિષ્યવર્ગની આજ્ઞા અનુસાર યોજાયેલા આ ચાતુર્માસ પ્રવેશને ભક્તિમય માહોલ મળ્યો હતો.
સ્વાગત પ્રવચનમાં જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું કે ચાતુર્માસનો સમય આત્મચિંતન, સંયમ અને ધાર્મિક આરાધનાનો શ્રેષ્ઠ અવસર છે. તેમણે ભાવિકોને આ સમગ્ર અવધિ દરમિયાન વધુમાં વધુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જીવનને આધ્યાત્મિક દિશા આપવા અનુરોધ કર્યો હતો.
મંગલિક પ્રવચનમાં પૂજ્ય સાધ્વીઓએ ચાતુર્માસનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે આ સમય માત્ર પરંપરા નિભાવવાનો નથી, પરંતુ આત્મજાગૃતિ, તપ, સંયમ અને સદાચાર દ્વારા જીવનને પવિત્ર બનાવવાનો અવસર છે. દરેક વ્યક્તિએ પોતાના સામર્થ્ય મુજબ ધર્મ આરાધના કરીને આત્મકલ્યાણ તરફ આગળ વધવું જોઈએ, તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
પ્રસંગ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ, સૂત્ર વ્હોરાવા, ચરિત્ર વ્હોરાવા, ગુરુપૂજન તથા જ્ઞાનપૂજન સહિતના અનેક ધાર્મિક લાભો ભાવિક પરિવારોએ ભક્તિપૂર્વક ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમમાં ભુજ ઉપરાંત લાખાપર, પત્રી, નવીનાળ, મોટી ભુજપર, મુન્દ્રા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહાજનના ખજાનચી હરેશભાઈ ગોગરીએ કર્યું હતું, જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા સંઘના કાર્યકરો અને કર્મચારીઓએ નોંધપાત્ર સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંયમ અને ધાર્મિક એકતાના પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar