

કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સશક્ત બનાવવા માટે આજે હાથ ધરાયેલી કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન ભુજ શહેર બી ડિવિઝન પોલીસે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમ સાથે મોટી સફળતા મેળવી છે. શહેરના શેખ ફળિયા વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી બે શખ્સોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 34 જેટલા વિવિધ પ્રકારના જીવલેણ હથિયારો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસે પ્રથમ કાર્યવાહી દરમિયાન રાજ ફર્નિચરની બાજુમાં આવેલા શેખ ફળિયામાં રહેતા 30 વર્ષીય અલીશા કરીમશા શેખની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 21 છરી, એક તલવાર, એક ધારિયું, ચાર કોઇતા, બે લોખંડના પાઇપ અને બે લાકડાના ધોકા મળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ઘાતક હથિયારો મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તે જ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન બીજી કાર્યવાહી સરપટ નાકા બહાર આવેલા શેખ ફળિયામાં કરવામાં આવી હતી. અહીંથી 30 વર્ષીય રમજાનશા ઉર્ફે રમજુ કાસમશા શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી એક છરી, એક કુહાડી અને એક ધારિયું મળી આવતા પોલીસે આ હથિયારો પણ કબજે કર્યા હતા. બંને આરોપીઓ પાસે મળેલા હથિયારો કયા હેતુસર રાખવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થવાનો હતો કે નહીં તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાથે જ બંને આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ સમગ્ર સફળ ઓપરેશન ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એસઓજી શાખા અને એલસીબી શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓએ સંયુક્ત આયોજન અને ઝડપી કાર્યવાહીના આધારે પાર પાડ્યું હતું. શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત કોમ્બિંગ ડ્રાઇવ, પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તાજેતરની આ કાર્યવાહીએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર હથિયારો રાખનાર અથવા કાયદો ભંગ કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે પોલીસ હવે વધુ કડક વલણ અપનાવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા અભિયાન વધુ સઘન રીતે ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar