


કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ દરમિયાન સમુદ્રમાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. નેશનલ ડિઝાસ્ટર ઇવેન્ટ મોનિટરિંગ (NDEM) પોર્ટલ અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર (INCOIS) દ્વારા જાહેર કરાયેલી આગાહી અનુસાર લખપતથી કંડલા સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં 21 જુલાઈથી 22 જુલાઈ 2026 દરમિયાન સમુદ્રમાં 3.2થી 3.6 મીટર સુધી ઊંચા મોજાં ઉછળી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો, બંદર સંચાલકો, દરિયાઈ પરિવહન સાથે સંકળાયેલા લોકો તેમજ દરિયાકિનારે ફરવા જતાં પ્રવાસીઓને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ એલર્ટ 21 જુલાઈના વહેલી સવારે 2:30 વાગ્યાથી અમલમાં આવ્યું છે અને 22 જુલાઈની રાત્રે 11:30 વાગ્યા સુધી અસરકારક રહેશે. હવામાન અને સમુદ્રી પરિસ્થિતિમાં અચાનક ફેરફાર થવાની શક્યતા હોવાથી દરિયામાં જતી નાની બોટો અને માછીમારીના વહાણોએ જરૂરી તકેદારી રાખવી અનિવાર્ય બની છે. ખાસ કરીને દરિયાકિનારાની નજીક કોઈપણ પ્રકારની સાહસિક પ્રવૃત્તિ, બોટિંગ અથવા મનોરંજન માટે સમુદ્રમાં પ્રવેશતા લોકોએ સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકો માટે પણ આ સમયગાળા દરમિયાન દરિયાની નજીક બિનજરૂરી અવરજવર ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઊંચા મોજાંના કારણે દરિયાકિનારે પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે અને કેટલીક જગ્યાએ જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બંદર વિસ્તાર અને જેટી નજીક કામ કરતા કર્મચારીઓને પણ સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
દરિયાઈ હવામાન સંબંધિત આગાહીઓમાં સમયાંતરે ફેરફાર થવાની શક્યતા રહેતી હોવાથી સંબંધિત વિભાગો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓએ લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક સંબંધિત વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે. કચ્છના દરિયાકાંઠે આગામી બે દિવસ દરમિયાન સાવચેતી જ સૌથી મોટું સુરક્ષા કવચ સાબિત થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar