
કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પરિવહન અને ખનીજ ચોરી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પશ્ચિમ કચ્છે ધુણઈ ગામ નજીક સફળ કાર્યવાહી કરીને બેન્ટોનાઇટ ખનીજથી ભરેલા બે ટ્રેલરને ઝડપી પાડ્યા છે.82 ટન માલ પકડ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
એલસીબીની ટીમે વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી હતી અને મળેલી ચોક્કસ માહિતીના આધારે ધુણઈ ગામના પાટીયાથી પુનડી તરફ જતા માર્ગ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બેન્ટોનાઇટ ભરેલા બે ટ્રેલરને અટકાવી તેમની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખનીજના પરિવહન સંબંધિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી અને નિયમો મુજબની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બંને ટ્રેલરને ડિટેઇન કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે, જેથી ખનીજના સ્ત્રોત, પરિવહનની મંજૂરી અને તેમાં સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અંગે પણ માહિતી મેળવી શકાય.
આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તેમની સાથે હેડ કોન્સ્ટેબલ સસુરજ વેગડા, હેડ કોન્સ્ટેબલ મૂળરાજ ગઢવી અને હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પોલીસ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી, બિનઅધિકૃત ખનન અને નિયમો વિરુદ્ધ થતા પરિવહન સામે આવી જ રીતે સતત કાર્યવાહી ચાલુ રહેશે. કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી રોકવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો હોવાનું માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar