

કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ શહેરમાં પ્રોહિબિશનના કાયદાના કડક અમલ વચ્ચે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાછળ આવેલા સુભાષનગર વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે તેનો સાગરીત હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સતર્ક નજર રાખી રહ્યો હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન પોલીસે નગીન દિનેશભાઈ સુથાર રહેવાસી ગેનાજી ગોળીયા, તાલુકો ડીસા, જિલ્લા બનાસકાંઠાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 180 એમએલની 1,680 કંપની સીલબંધ ક્વાર્ટર અને 750 એમએલની 24 સીલબંધ બોટલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ ક્રેટા કાર એક મોબાઇલ ફોન તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ પણ કબજે કરવામાં આવ્યા છે.
પોલીસે અંદાજે રૂ. 8.03 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. કેસની તપાસ દરમિયાન મુકેશ શંકરજી સુથાર, રહેવાસી ગેનાજી ગોળીયા, તાલુકો ડીસા, જિલ્લા બનાસકાંઠાનું નામ પણ સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર નેટવર્ક અને દારૂના સ્ત્રોત અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પણ પહોંચવામાં સફળતા મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar