રાજસ્થાનમાંથી પોક્સો અને અપહરણ કેસના બે આરોપી ઝડપાયા: રાપર પોલીસે સગીરાને સુરક્ષિત પરત લાવી નોંધપાત્ર સફળતા મેળવી
કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના રાપર પોલીસ સ્ટેશને પોક્સો અને અપહરણ જેવા ગંભીર ગુનામાં ઝડપી અને સુનિયોજિત કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી સગીરા અને મુખ્ય આરોપીને સુરક્ષિત શોધી કાઢતાં મહત્વની સફળતા મેળવી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ
રાપર પોક્સો કેસના આરોપીઓ


કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના રાપર પોલીસ સ્ટેશને પોક્સો અને અપહરણ જેવા ગંભીર ગુનામાં ઝડપી અને સુનિયોજિત કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી સગીરા અને મુખ્ય આરોપીને સુરક્ષિત શોધી કાઢતાં મહત્વની સફળતા મેળવી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોની મદદથી પોલીસ ટીમે ગણતરીના સમયમાં આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોક્સો તેમજ સગીરાઓના અપહરણ જેવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનમાં 10 જુલાઈ, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2), 87 તેમજ પોક્સો અધિનિયમની કલમ 18 હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણાની આગેવાનીમાં વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસે ઘટનાના તમામ પાસાઓનું વિશ્લેષણ કર્યું હતું. મોબાઇલ ટેકનિકલ એનાલિસિસ, ડિજિટલ ટ્રેકિંગ અને વિશ્વસનીય હ્યુમન સોર્સીસ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ ટીમ રાજસ્થાનના લોદી જિલ્લાના બાપ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સિરહા ગામ સુધી પહોંચી હતી. ત્યાંથી મુખ્ય આરોપી સુનિલ સતવીર ઓડ રહેવાસી એલનાબાદ, જિલ્લા સિરસા, હરિયાણા,ને સગીરા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સગીરાને સુરક્ષિત કબજામાં લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસની વધુ તપાસ દરમિયાન ગુનામાં મદદગારી કરનાર સહઆરોપી મોહિત રઘુવીરસિંહ ઓડ (ઉંમર 19), રહેવાસી પાતન, જિલ્લા હિસાર, હરિયાણા,ને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને આરોપીઓ સામે નોંધાયેલા ગુના મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને કેસની આગળની તપાસ ચાલુ છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી. એલ. ફણેજા તેમજ રાપર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે સંકલિત પ્રયાસોથી સફળ બનાવી હતી. સગીરાના અપહરણ અને પોક્સો જેવા સંવેદનશીલ ગુનામાં આરોપીઓને રાજ્યની બહારથી શોધી કાઢી સુરક્ષિત રીતે કાર્યવાહી પૂર્ણ કરવાના કારણે રાપર પોલીસની કામગીરીને નોંધપાત્ર સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande