
જામનગર, 21 જુલાઈ (હિ.સ.) :
જામનગર શહેરમાં મેઘરાજાએ ફરી એકવાર માત્ર ઝાંખી કરાવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે સવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પણ પડ્યા હતા. જોકે, આ વરસાદ થોડા જ સમય માટે રહ્યો અને થોડી જ ક્ષણોમાં મેઘરાજાએ વિરામ લેતાં ફરી તડકાએ માથું ઊંચક્યું હતું.
વરસાદ બંધ થતાં જ ઉકળાટ અને બફારામાં નોંધપાત્ર વધારો થયો હતો. ભારે ભેજ અને આકરા તાપના કારણે શહેરવાસીઓ દિવસભર અકળાઈ ઊઠ્યા હતા. વરસાદની આશા બંધાઈ હોવા છતાં મેઘરાજાએ પોરો દઈ દેતાં લોકો નિરાશ બન્યા હતા.
આજે પણ વહેલી સવારથી આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી મેઘરાજાની એન્ટ્રી થઈ નથી. હવામાન વિભાગના 21 જુલાઈના આંકડા મુજબ શહેરનું મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ૭૭ ટકા ભેજ અને પવનની સરેરાશ ગતિ 11.3 કિમી પ્રતિ કલાક નોંધાઈ છે. ભેજનું ઊંચું પ્રમાણ હોવાથી લોકોને ગરમી કરતાં વધુ બફારાનો અનુભવ થઈ રહ્યો છે.
સતત ઉકળાટ અને બફારાથી ત્રસ્ત શહેરવાસીઓ હવે ચાતક નજરે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આકાશમાં વાદળોની અવરજવર ચાલુ હોવા છતાં મન મૂકીને વરસાદ ક્યારે વરસશે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt