
નવસારી, 21 જુલાઈ (હિ.સ.)-જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી તાલુકા (ગ્રામ્ય) ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારની લોકાભિમુખ પહેલ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદોનો સમયસર, પારદર્શક અને અસરકારક રીતે નિકાલ લાવવાનો છે.
કાર્યક્રમ દરમિયાન સ્વાગત ઓનલાઈન પોર્ટલ મારફતે પ્રાપ્ત થયેલી વ્યક્તિગત અને જાહેર હિતને લગતી કુલ 12 અરજીઓ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અરજદારોની હાજરીમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે દરેક કેસમાં અત્યાર સુધી થયેલી કામગીરીની માહિતી મેળવી બાકી રહેલા પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ મળતી ફરિયાદોના નિકાલમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવી નહીં. દરેક અરજી પર સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી થાય અને અરજદારોને ઝડપી તથા અસરકારક ન્યાય મળે તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરે.
તેમણે વધુમાં જણાવ્યું કે 'સ્વાગત' કાર્યક્રમ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જનફરિયાદ નિવારણ વ્યવસ્થા છે, તેથી શક્ય તેટલી ફરિયાદોનો નિકાલ તાલુકા કક્ષાએ જ ગુણવત્તાસભર અને સમયસર થાય તેમજ અરજદારોને બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે માટે અધિકારીઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.
આ કાર્યક્રમમાં નવસારી તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે