
પાટણ, 21 જુલાઈ (હિ.સ.) ચાણસ્મા તાલુકાના મણીયારી ગામે પાટીદાર સેવા મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી પાટીદાર ભોજનાલય સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. અહીં સ્થાનિક જરૂરિયાતમંદ સિનિયર સિટીઝન્સ તેમજ વતનમાં આવતા પરિવારોને બંને ટાઈમ સાત્વિક ભોજન સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ભોજનાલયનો લાભ દરરોજ બપોરે આશરે 35 અને સાંજે 25 જેટલા લોકો લઈ રહ્યા છે. આ સેવા અમદાવાદમાં સ્થાયી થયેલા મણીયારીના પરિવારો તથા ગામના પાટીદાર સમાજના સહયોગથી ચાલી રહી છે. ભોજનાલયનો ખર્ચ 91 કાયમી તિથિ ભોજનદાતાઓ અને અન્ય દાતાઓના સહયોગથી પૂરો કરવામાં આવે છે.
ભોજનાલયની કામગીરીની મુલાકાતે આવેલા જિગર પટેલે સમગ્ર વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. અહીં દિલીપ પટેલ રસોઈયા તરીકે અને સોનલ પટેલ સહયોગી તરીકે સેવા આપી રહ્યા છે, જેના કારણે આ ભોજનાલય ગામ માટે સેવાભાવી કાર્યનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ