
વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) માણેજા ગાર્ડન નજીક જાહેરમાં રમાતો હતો જુગાર, રોકડ, મોબાઇલ સહિત ₹56,700નો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પોલીસે જુગારધામ પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. માણેજા ગાર્ડન ખાતે સંતોષી માતા મંદિર સામેની ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા વડે જુગાર રમી રહેલા 10 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે માણેજા ગાર્ડન પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના રૂ. 6,700, દાવ પર મુકેલા રૂ. 5,000 મળી કુલ રૂ. 11,700 રોકડા, ગંજીફાના 52 પત્તા તેમજ રૂ. 45,000 કિંમતના 7 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 56,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે શહેરમાં જાહેરમાં જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ