
નવસારી/અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરના છુટાછાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, નવસારીમાં સતત મુશળધાર વરસાદને કારણે કાવેરી નદી બે કાંઠે વહેતાં ચીખલીનું તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે.શહેરી વિસ્તારોમાં માર્ગો તેમજ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું છે.
નવસારી જિલ્લામાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ સતત જારી રહી છે.
આજે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ એક ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી બની ગઈ છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાથી લઈને ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તડકેશ્વર મહાદેવ મંદિર પણ જળમગ્ન થયું છે. તેમજ નવસારીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ચીખલી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં પૂર જેવો માહોલ સર્જાયો છે. કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે આવક થતાં નદી બે કાંઠે વહેવા લાગી છે. ચીખલી રિવરફ્રન્ટ નજીક આવેલું અને હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એવું પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મંદિર પરિસરમાં નદીના પાણી ફરી વળતાં અત્યંત વિહંગમ અને ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે.
નવસારી શહેરમાં ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા તેમજ રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરની સીટી ગાર્ડન સોસાયટી અને રોયલ પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગો પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક સોસાયટીઓના પ્લોટ અને કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગને ભારે હાલાકી વેઠવી પડી છે. પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતાં સ્થાનિક રહીશોમાં મહાનગરપાલિકાના નબળા આયોજન સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ