
- હાઈકોર્ટમાં આજે એમ.નાગરાજન જવાબ રજૂ કરશે
અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) નાસીરનગર ડિમોલીશનને 50 દિવસ વિતી ચૂક્યા છે. 20 જુલાઈએ હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારની કામગીરીને લઈ વેધક સવાલો ઉઠાવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાનૂની ડિમોલિશન મામલે સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શનને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યું છે. તેઓએ કોર્ટમાં જણાવ્યું કે, આ ડિમોલિશન તેમણે એસએમસી કમિશનર નાગરાજનના આદેશથી જ કર્યું હતું. કમિશનરને કોઈનો મેસેજ આવ્યો હતો, જે તેમણે સુજલ પ્રજાપતિને ફોરવર્ડ કરીને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે 60 ફૂટનો TP રોડ બનાવવા માટે દબાણ ખુલ્લું કરવાની સૂચના આપી હતી.
અરજદારે કમિશનર સાથેની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ અને એસએમસીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ 'કેમ છો સુરત?' પર મૂકાયેલી ડિમોલિશનની રીલના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે કોઈ પણ ખાતાકીય તપાસ વગર તેમને સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરવાની સત્તા સ્ટેન્ડિંગ કમિટી પાસે છે છતાં કમિશનરે આ નિર્ણય લીધો છે.
અરજદાર તપાસમાં સહકાર નથી આપી રહ્યા
શરૂઆતમાં કામની પ્રશંસા કરાયા બાદ, મામલો હાઈકોર્ટમાં પહોંચતા કમિશનરે પોતાને બચાવવા માટે બધી જવાબદારી અરજદાર પર ઢોળી દીધી છે અને તપાસ કમિટી સમક્ષ સત્ય કહેવા છતાં કોર્ટમાં એવું ખોટું જણાવ્યું કે અરજદાર તપાસમાં સહકાર નથી આપી રહ્યા.
હાઈકોર્ટે અરજદારની અરજી સંદર્ભે કમિશનરનો જવાબ માંગ્યો
નાસીરનગર ડિમોલીશનને 50 દિવસ વિતી ચૂક્યા છે. 20 જુલાઈએ હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારની કામગીરીને લઈ વેધક સવાલો ઉઠાવ્યા હતા. તેના ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકાર તરફથી નાસીરનગર ડિમોલીશનની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન કમિટીના અધ્યક્ષ રહેશે જ્યારે હાઉસિંગ વિભાગના સચિવ રાજકુમાર બેનીવાલનો સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. બંને અધિકારીઓ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરશે.
ડિમોલિશન પહેલાં જ વીજ કંપની ટોરેન્ટ પાવરને પાવર સપ્લાય કાપવા માટે SMC વિભાગ તરફથી કહી દેવાયું હતું, જે સાબિત કરે છે કે આ આયોજિત કામગીરી હતી. હાઇકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ સ્વીકાર્યું છે કે, કમિશનરે અરજદારને મેસેજ ફોરવર્ડ કર્યો હોય તેવું લાગે છે. હાઈકોર્ટે અરજદારની અરજી સંદર્ભે કમિશનરનો જવાબ માંગ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ