
સુરત, 21 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમો બન્યો છે અને દૃશ્યતા પણ ઘટી ગઈ છે. આવી પરિસ્થિતિમાં ભેસ્તાન વિસ્તારમાં BRTS કોરિડોરમાં એક ST બસ રોંગ સાઈડમાં પ્રવેશી જતાં ગંભીર ટ્રાફિક અવરોધ સર્જાયો. તેના કારણે પોતાના રૂટ પર જઈ રહેલી એક ઈમરજન્સી એમ્બ્યુલન્સ આગળ વધી શકી નહોતી.
એમ્બ્યુલન્સના ચાલકે સતત સાયરન વગાડીને રસ્તો ખાલી કરવાની અપીલ કરી હતી, પરંતુ BRTSનો સાંકડો માર્ગ અને સામેથી ખોટી દિશામાં ઉભેલી ST બસને કારણે કોઈ જગ્યા મળી નહોતી. અંતે એમ્બ્યુલન્સ ચાલકને વરસાદ અને પાણી ભરાયેલા રસ્તા વચ્ચે લાંબું અંતર રિવર્સમાં વાહન ચલાવવાની ફરજ પડી, જેના કારણે દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું.
આ ઘટના બાદ વરસાદી મોસમ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગના જોખમો ફરી ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને જાહેર પરિવહનના વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન થવાથી ઈમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને નારાજગી જોવા મળી રહી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે