


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા આઈ.ટી.આઈ., પોરબંદર ખાતે રોજગારવાંચ્છુ યુવાઓ અને નોકરીદાતાઓ વચ્ચે સેતુરૂપ બનવાના હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરતીમેળા માટે જિલ્લાના ૭૨૦થી વધુ ઉમેદવારોને ઈ-મેલ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી 113 ઉમેદવારો હાજર રહ્યા હતા.
ભરતી મેળામાં સૌરાષ્ટ્ર સિમેન્ટ, રાણાવાવ તથા સૌરાષ્ટ્ર કેલ્સિન, બોક્સાઈટ એન્ડ એલોયઝ લિમિટેડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની સંસ્થાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, જોબ પ્રોફાઈલ અને રોજગારની તકો અંગે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને આવડતના આધારે કુલ 15 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ઉમેદવારોને આગામી રાઉન્ડ માટે ફરીથી બોલાવવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલરો દ્વારા ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, મોડેલ કરિયર સેન્ટર અને નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ અંગે માહિતી આપી તેનો પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya