


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકાના ખીસ્ત્રી ક્લસ્ટરના સ્વયંપ્રેરિત પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો માટે કેકેવી, ખાપટ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પ્રોજેક્ટ મેનેજર (GPKVB) રાયમલ રબારી, આસિસ્ટન્ટ ટીમ મેનેજર (ATMA) ભરતભાઈ ગોસ્વામી તેમજ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ રણજીતભાઈ દાસાની ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન કેકેવી, ખાપટના વૈજ્ઞાનિક મિલન નંદાણીયા અને ડી. એચ. હડિયાએ ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો—બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા. ઉપરાંત અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ વિશે પણ વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
વૈજ્ઞાનિકોએ ખરીફ ઋતુના પિયત તથા બિનપિયત પાકો તેમજ બાગાયતી પાકોમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું જીવંત (લાઈવ) નિદર્શન રજૂ કરીને ખેડૂતોને પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે માહિતી મેળવી પોતાના ખેતરોમાં તેનો અસરકારક અમલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya