



પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની સેનીટેશન શાખા દ્વારા શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને રોગમુક્ત બનાવવાના હેતુથી સતત જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વોર્ડ નં. 1 અને 12 વિસ્તારમાં આવેલી શાળા તથા આંગણવાડી કેન્દ્રોમાં માહિતી, શિક્ષણ અને સંચાર (આઈ.ઈ.સી.) પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો તથા સ્થાનિક નાગરિકોને ચાર પ્રકારના કચરાના યોગ્ય સેગ્રીગેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલું જોખમી કચરો તથા સેનિટરી કચરો અલગ-અલગ એકત્રિત કરવાથી પર્યાવરણનું સંરક્ષણ થાય છે, કચરાના વૈજ્ઞાનિક નિકાલમાં સરળતા રહે છે અને શહેરને વધુ સ્વચ્છ રાખવામાં મદદ મળે છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય અને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા તથા ઝાડા-ઉલટી જેવા રોગોના ફેલાવાને રોકવા માટે જરૂરી સાવચેતીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઘરની આસપાસ કે ખુલ્લી જગ્યાએ પાણી ભરાઈ ન રહે, પાણી સંગ્રહના વાસણોને નિયમિત સાફ રાખવા, પીવાનું પાણી શુદ્ધ અને ઉકાળીને પીવું, હાથની સ્વચ્છતા જાળવવી તથા મચ્છરોના પ્રજનન સ્થળોનો નાશ કરવો જેવી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સેનીટેશન શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળા અને આંગણવાડીના બાળકો સ્વચ્છતા અને આરોગ્યના શ્રેષ્ઠ દૂત બની પોતાના પરિવાર તથા સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી શકે છે. તેથી બાળકોમાં બાળપણથી જ કચરાના યોગ્ય વિભાજન અને સ્વચ્છ જીવનશૈલીની આદત વિકસે તે માટે આવા કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવી રહ્યા છે. ચાર પ્રકારના કચરાનું ઘરના સ્તરે જ અલગીકરણ કરે, સ્વચ્છતા જાળવે અને પાણીજન્ય તથા વાહકજન્ય રોગોની અટકાયત માટે જરૂરી સાવચેતીઓનું પાલન કરીને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ પોરબંદરના નિર્માણમાં સહભાગી બનવા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોનેઅપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya