


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ તાલુકા આરોગ્ય કચેરી તથા સરકારી વિનયન કોલેજ રાણાવાવના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી AIDS (HIV), ક્ષયરોગ (ટીબી) અને તમાકુ મુક્તિ (Tobacco Control) વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.જી. રાતડીયાએ HIV/AIDS અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે HIVનો ફેલાવો કેવી રીતે થાય છે, તેનાથી બચવાના ઉપાયો, સુરક્ષિત જીવનશૈલી, સમયસર HIV ટેસ્ટિંગનું મહત્વ તથા HIV સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ ન રાખવાની જરૂરિયાત વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં
ટીબી અંગે માહિતી આપતાં તાલુકા ટીબી સુપરવાઈઝર પ્રિતેશભાઈ જોષીએ જણાવાયું કે સતત બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ રહેવી, તાવ, વજન ઘટવું અને રાત્રે પરસેવો થવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ. ટીબીનો સંપૂર્ણ અને નિઃશુલ્ક ઈલાજ સરકાર દ્વારા ઉપલબ્ધ છે અને સારવાર અધૂરી ન છોડવી જોઈએ. ભારતને ટીબી મુક્ત બનાવવા માટે દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે.
આ કાર્યક્રમ દરમિયાન તમાકુના વિવિધ સ્વરૂપો જેવી કે બીડી, સિગારેટ, ગુટખા, માવો, જર્દા વગેરેના સેવનથી થતી ગંભીર આરોગ્ય સમસ્યાઓ, ખાસ કરીને મોઢાનું કેન્સર, ફેફસાંના રોગો, હૃદયરોગ અને અન્ય જીવલેણ બીમારીઓ અંગે ટોબેકો કાઉન્સેલર દિનેશ દવે દ્વારા માહિતી આપવામાં આવી હતી.
કોલેજના પ્રોફેસર ઓડેદરા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનું વ્યસન ત્યજી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. તમાકુ નિયંત્રણ માટેના કાયદા અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુના વેચાણ પરના પ્રતિબંધ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તકે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિવિધ ચેપી રોગો અને તેની અટકાયત તથા જાહેર આરોગ્યમાં નાગરિકો અને તેમાં પણ ખાસ યુવા વર્ગના સહયોગ વિશે વિસ્તૃત જાણ અને અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી, જાગૃતિ સંદેશ, માહિતીસભર પ્રસ્તુતિમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સંબંધિત પ્રશ્નોના જવાબ મેળવ્યા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાની નેમ વ્યક્ત કરી.આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય જોષી સાહેબ, પ્રાધ્યાપકગણ, તાલુકા આરોગ્ય કચેરીના અધિકારી,આરોગ્ય કર્મચારીઓ, તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ કોલેજની વિવિધ પ્રવૃતિઓ અને સમગ્ર કેમ્પસ વિશે જાણકારી મેળવી તથા સરકારી કોલેજની વિવિધ સુવિધાઓ અને સ્વચ્છતા તથા વૃક્ષો અને બગીચાની મુલાકાત લીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya