
વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ નિયમિત પગાર નહીં મળવાની કરી ફરિયાદ; નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીનો પણ આક્ષેપ
વડોદરાના બાજવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત વર્ગ-4 કર્મચારીઓએ છેલ્લા છ મહિનાથી પગાર ન મળવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત કરવા છતાં તેમને નિયમિત વેતન ચૂકવવામાં આવ્યું નથી.
કર્મચારીઓનો વધુ આક્ષેપ છે કે, જ્યારે તેઓ પોતાના બાકી રહેલા પગારની માંગણી કરે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી દૂર પણ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે કર્મચારીઓ અને તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું.
કર્મચારીઓએ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી બાકી રહેલો પગાર વહેલી તકે ચૂકવાવવાની, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ કર્મચારીઓને ધમકી અને અન્યાયથી સુરક્ષા આપવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ