
અમરેલી,21 જુલાઈ (હિ.સ.) અરબી સમુદ્રમાં હવામાનની સ્થિતિ બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જાફરાબાદ બંદર પર સત્તાવાળાઓ દ્વારા ત્રણ નંબરનું સ્થાનિક ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. આગામી કલાકોમાં દરિયો વધુ તોફાની બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતા માછીમારોને દરિયો નહીં ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
બંદર તંત્ર અને હવામાન વિભાગ દ્વારા માછીમારોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ હાલ કોઈપણ પ્રકારનું માછીમારી માટેનું વહાણ દરિયામાં ન ઉતારે તેમજ જે બોટો બંદરે છે તેને સુરક્ષિત રીતે બાંધી રાખે. દરિયામાં ઊંચા મોજાં, તેજ પવન અને ખરાબ હવામાનને કારણે જાનમાલનું નુકસાન થવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવા જણાવાયું છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ માછીમારોને સતત હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા અને જરૂરી હોય ત્યારે તંત્રના માર્ગદર્શનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai