
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામમાં આડા સંબંધની શંકામાં મહિલાને કુહાડાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ આદિત્યાણા ગામના જુના રબારી કેડા વિસ્તારમાં રહેતી રાણીબેન પુંજાભાઈ મકવાણાને આરોપી ખોડા પાંચાભાઇ મકવાણાએ તેમના કાકા સસરાના પુત્ર સાજણ ભુરાભાઈ મકવાણા સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડાથી હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના માથાના ભાગે બે ઘા વાગતા માથામાં દસ ટાંકા અને જમણા કાન પાસે નવ ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ડાબા હાથના કાંડા તથા જમણા જડબામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ શરીરે અન્ય ઇજાઓ પણ થઈ હતી. હુમલા બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતના ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya