પોરબંદર મનપાને મળ્યા યુવા કમિશનર.
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની અંતે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીમાં હસમુખ પ્રજાપતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની બદલી અમરેલી ખાતે કરવામાં આવી છે. જ્યા
પોરબંદર મનપાને મળ્યા યુવા કમિશનર.


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની અંતે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીમાં હસમુખ પ્રજાપતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની બદલી અમરેલી ખાતે કરવામાં આવી છે. જ્યારે સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવતા સુથાર રાજ રમેશચંદ્રની પોરબંદર મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પોરબંદર મહાનગરપાલિકાની રચના બાદ કમિશનર તરીકે હસમુખ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, તેમના કાર્યકાળ દરમિયાન મહાનગરપાલિકાની કામગીરી અને વિવિધ મુદ્દાઓને લઈને અનેક વખત વિવાદો સર્જાયા હતા. મહાનગરપાલિકાની કામગીરી અપેક્ષિત ગતિએ ન થતી હોવાના આક્ષેપો વચ્ચે કમિશનર સામે પણ સવાલો ઉઠ્યા હતા. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે રાજ્ય સરકાર દ્વારા તેમની બદલીનો નિર્ણયલેવામાં આવ્યો છે.

બીજી તરફ, પોરબંદર મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે નિયુક્ત થયેલા સુથાર રાજ રમેશચંદ્રનો જન્મ 9 ડિસેમ્બર, 1993 ના રોજ થયો છે. તેઓ ગુજરાત કેડરના 2019 બેચના આઈએએસ અધિકારી છે. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. તેઓ 14 જુલાઈ, 2025 થી સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) ખાતે મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

અગાઉ તેઓ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, આસિસ્ટન્ટ કલેક્ટર, સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે પણ વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.હવે પોરબંદર મહાનગરપાલિકાને યુવા આઈએએસ અધિકારી મળતા શહેરના વિકાસકાર્યો અને મહાનગરપાલિકાની કામગીરીને નવી ગતિ મળવાની અપેક્ષા સેવાઈ રહી છે. નવા કમિશનર સામે શહેરના વિકાસ, સફાઈ, ટ્રાફિક, ગેરકાયદે બાંધકામો સહિતના વિવિધ પડકારો વચ્ચે મહાનગરપાલિકાની કામગીરીને વધુ અસરકારક બનાવવાની જવાબદારી રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande