મકરપુરામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ભાગતા તસ્કર પટકાતાં ઈજાગ્રસ્ત; અન્ય સાગરિતોની શોધખોળ શરૂ
વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) વડોદરાના મકરપુરા વિસ્તારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. જશોદા કોલોનીના શિવશક્તિ નગરમાં ચોરી કરવા ઘૂસેલા એક તસ્કરને મકાનમાલિકે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જોકે ભાગવાનો પ્રયાસ કરતી વખતે આરોપી પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થય
ચોરી


ચોરી


વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) વડોદરાના મકરપુરા વિસ્તારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. જશોદા કોલોનીના શિવશક્તિ નગરમાં ચોરી કરવા ઘૂસેલા એક તસ્કરને મકાનમાલિકે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જોકે ભાગવાનો પ્રયાસ કરતી વખતે આરોપી પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીના શિવશક્તિ નગરમાં ચોરીનો પ્રયાસ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ એક તસ્કર મકાનમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મકાનમાલિકને જાણ થતાં તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

પકડાઈ જવાના ડરથી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મકાનમાલિકના જણાવ્યા મુજબ ઘરની તિજોરી અને અન્ય સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક અંદાજ પ્રમાણે અંદાજે ₹2થી ₹3 લાખના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

મકાનમાલિકે સ્પષ્ટતા કરી હતી કે આરોપીને કોઈએ માર માર્યો નહોતો, પરંતુ ભાગવાના પ્રયાસ દરમિયાન તે પોતે જ પટકાયો હતો. સમગ્ર ઘટનામાં અન્ય તસ્કરો પણ સામેલ હોવાની શંકાને આધારે પોલીસે CCTV ફૂટેજ સહિતના ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.

હાલ મકરપુરા પોલીસે ગુનો નોંધી અન્ય શંકાસ્પદ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande