વાંસદાની આંગડિયા પેઢીમાં દિવસદાઢે લાખોની ચોરી, આરોપીઓની શોધમાં પોલીસની પાંચ ટીમો સક્રિય
નવસારી, 21 જુલાઈ (હિ.સ.) નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી ''રમેશકુમાર અંબાલાલ'' આંગડિયા પેઢીમાં દિવસદાઢે થયેલી ચોરીની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. આશરે ₹12.50 લાખની રોકડ રકમ લઈને ત્રણ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ
Navsari


નવસારી, 21 જુલાઈ (હિ.સ.) નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી 'રમેશકુમાર અંબાલાલ' આંગડિયા પેઢીમાં દિવસદાઢે થયેલી ચોરીની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. આશરે ₹12.50 લાખની રોકડ રકમ લઈને ત્રણ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાથમિક તપાસ મુજબ, નંબર પ્લેટ વગરની સફેદ સિઆઝ કારમાં આવેલા આરોપીઓમાંથી બે વ્યક્તિ ગ્રાહક તરીકે પેઢીમાં પ્રવેશ્યા હતા. પૈસાની લેવડદેવડ અને નોટો ગણાવવાના બહાને તેમણે સંચાલક પ્રવીણ ઝાલાનું ધ્યાન ભટકાવ્યું હતું. તક મળતા જ ટેબલ પર પડેલી રોકડ રકમ ઝૂંટવી તેઓ બહાર ઊભેલી કાર તરફ દોડી ગયા.

ઘટના બાદ પ્રવીણ ઝાલાએ બૂમાબૂમ કરીને આરોપીઓનો પીછો કર્યો હતો. ઉતાવળમાં કારમાં બેસતી વખતે આરોપીઓના હાથમાંથી રોકડના ત્રણ બંડલ નીચે પડી ગયા હતા, જે સ્થળ પરથી પરત મળી આવ્યા હતા. જોકે બાકીની રકમ સાથે આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારની તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીઓની ઓળખ માટે તપાસ તેજ બનાવી છે.

આ કેસની તપાસ માટે વાંસદા પોલીસ સ્ટેશન, વાંસદા ડિવિઝન, એલસીબી (LCB) અને એસઓજી (SOG) સહિત કુલ પાંચ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના વિસ્તારોમાં આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

વાંસદા ડિવિઝનના ડીવાયએસપી હરેશ ચંદુએ જણાવ્યું કે, આરોપીઓને ઝડપવા માટે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને ઉપલબ્ધ તમામ ટેકનિકલ તેમજ માનવ ગુપ્તચર માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande