

વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) છેલ્લા 6થી 7 મહિનાથી ડ્રેનેજ લાઇનના કામને કારણે એક તરફનો માર્ગ બંધ, વેપારીઓએ વેરામાં રાહતની કરી માંગ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હરીનગર બ્રિજ નીચે છેલ્લા 6થી 7 મહિનાથી ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરીને કારણે સ્થાનિક વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી કામગીરી પૂર્ણ ન થતાં એક તરફનો માર્ગ બંધ હોવાથી ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ હોવાનું વેપારીઓનું કહેવું છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, માર્ગ બંધ રહેવાના કારણે તેમના ધંધામાં આશરે 70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. કેટલાક વેપારીઓએ વ્યવસાય માટે લીધેલી લોનની હપ્તા ભરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કેટલાકનું કહેવું છે કે છેલ્લા છ મહિનાથી દર મહિને રૂ. 30 હજારથી વધુનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
વેપારીઓએ માંગ કરી છે કે કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વ્યવસાય ફરી સામાન્ય બની શકે. સાથે જ લાંબા સમયથી થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર અને મહાનગરપાલિકા વેપારીઓને મિલકત વેરા સહિત અન્ય કરમાં રાહત આપે તેવી પણ માંગ ઉઠી છે.
વેપારીઓનું માનવું છે કે, વિકાસના કાર્યો જરૂરી છે, પરંતુ તે સમયસર પૂર્ણ થાય અને વેપારીઓના જીવનધંધા પર તેની ન્યૂનતમ અસર પડે તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ