


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)ઇસ્માઇલી સિવિક, આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ અને આગાખાન હેલ્થ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સમગ્ર સૌરાષ્ટ્રના 16 કેન્દ્રો પર સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે પોરબંદરમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં ૫૦થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કેમ્પનું આયોજન આશા બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ભાજપ જિલ્લા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જીટીપીએલના ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી, કોર્પોરેટર દક્ષાબેન માવાણી, જિલ્લા યોગ કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા, જિલ્લા ક્ષયરોગ અધિકારી ડો. સીમાબેન પોપટિયા તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદરના જિલ્લા સચિવ અકબરભાઈ સોરઠીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોરબંદર ઇસ્માઇલી કાઉન્સિલના પ્રમુખ રાજેશભાઈ ઢાલાણી, આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના ચેરમેન સોહીલભાઈ કોટડીયા, આગાખાન હેલ્થ બોર્ડના ચેરપર્સન શીતલબેન લાખાણી, મુખીસાહેબ, કામળીયાસાહેબ, ઇસ્માઇલી સિવિક ઇન્ડિયાના સભ્ય સોયેબ પટ્ટણી તેમજ વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, આશા બ્લડ બેન્કની ટીમ, સેવાભાવીઓ તથા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા માનવસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya