
જૂનાગઢ,21 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી દરવર્ષની જેમ આ વર્ષે પણ શાળાકીય રમતોત્સવ (SGFI)–2026-27 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત ઝોન/તાલુકાકક્ષાએ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ એમ ચાર રમતો તથા જિલ્લાકક્ષાએ કુલ 44 વિવિધ રમતોનું આયોજન નિર્ધારિત સમયમર્યાદામાં કરવામાં આવનાર છે.
શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત 20 જુલાઇ થી 24 જુલાઇ દરમિયાન જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે તાલુકાકક્ષાની શાળાકીય રમતોત્સવ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે રોજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્પર્ધાઓનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓ, શિક્ષકો, રમતવીરો અને રમતપ્રેમીઓની ઉપસ્થિતિથી સમગ્ર જિલ્લો રમતમય બની ગયો હતો. ખેલાડીઓના ઉત્સાહ, અને દર્શકોના પ્રોત્સાહનથી સ્પર્ધા સ્થળોએ ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
તાલુકાકક્ષાની આ સ્પર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારબાદ જિલ્લાકક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળશે અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં ગુજરાત તેમજ જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધારશે.
શાળાકીય રમતોત્સવ માત્ર સ્પર્ધાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત, નેતૃત્વ, ટીમ ભાવના, અને આત્મવિશ્વાસ જેવા ગુણોના વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરી તેમને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે પણ આ આયોજન મહત્વની ભૂમિકા ભજવે છે. જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા તમામ તાલુકાઓમાં સુચારૂ આયોજન માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ