
અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં 24 કલાકમાં બે જગ્યાએ દીપડાની દહેશત યથાવત્ જોવા મળી રહી છે. ગઈકાલે ઘુમામાં દીપડો દેખાયા બાદ હવે ઝુંડાલમાં દીપડાની એન્ટ્રી થઈ છે. ચાંદખેડા આજુબાજુમાં દીપડો દેખાયાની ચર્ચા છે. ઝુંડાલ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાએ અમદાવાદને બાનમાં લીધું હોય તેમ બે વિસ્તારમાં દીપડાની દહેશતથી વન વિભાગ એલર્ટ આવ્યું છે.
અમદાવાદમાં શેલા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો જોવા મળ્યો છે. ઝુંડાલથી ચાંદખેડા માધવ હોમ્સની સામે 20 જુલાઈ રાત્રે 2 વાગ્યે ત્યાં હાજર છોકરાઓએ દીપડો જોયો હોવાનો એક કેફે માલિકે દાવો કર્યો છે.
નિશાંત પટેલ નામના કેફે માલિકે જણાવ્યું કે, અમારું કેફે રાત્રે મોડા સુધી ચાલુ હોય છે. રાત્રે 2 વાગ્યે અમે અને અમારા કેફેની આસપાસના કેટલાક લોકોએ રાત્રે દીપડો જોયો હતો જેનો અમે ફોટો પાડ્યો છે. અમે ફોરેસ્ટ વિભાગને પણ ફોટો મોકલીને જાણ કરી છે.
19 જુલાઈ, 2026ની મોડી રાત્રે 2 વાગ્યે દીપડો શેલાની શરણદીપ સોસાયટીમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે આખો દિવસ વનવિભાગે દીપડો શોધવા કવાયત હાથ ધરી હતી, પણ દીપડો મળ્યો નહોતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ