
અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં દિન પ્રતિદિન દારૂની હેરાફેરી વધી રહી છે, અમદાવાદ પૂર્વના નારોલ વિસ્તારમાં એસ.પી. રીંગ રોડ કમોડ ચાર રસ્તાથી આગળ રામદેવ હોટલ તથા આઇમાતા હોટલ વચ્ચે રોડ ઉપરથી નંબર પ્લેટ વિનાની એક બંધ બોડીના ડાલામાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો જેથી ડ્રાઇવરને શક થઈ ગયો હતો.
ડ્રાઇવરે ગાડી ભગાવી અને પોલીસથી થોડા દૂર રોડની સાઈડમાં ગાડી ઉભી રાખી અને ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાંથી 2411 બોટલ કિ. 25.11 લાખનો દારૂ ઝડપ્યો હતો. દારૂ રાજસ્થાનથી ભરીને લાવવામાં આવ્યો હતો કે કેમ અને કોને મોકલવામાં આવનાર હતો તેની તપાસ શરૂ કરી છે.
પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડના પી.આઈ જે.પી જાડેજાને બાતમી મળી હતી કે, સરખેજ તરફથી આવતાં એક નંબર પ્લેટ વિનાના પીકઅપ ડાલુમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને બરોડા એક્સપ્રેસ વે તરફ જવાનું છે. જે બાતમીના આધારે એએસઆઈ વનરાજસિંહ, નરવીરસિંહ, મનહરસિંહ અને કોન્સ્ટેબલ નરેશકુમાર, દેવેન્દ્રસિંહ સહિતના પોલીસ કર્મીઓ પ્રાઇવેટ ગાડી સાથે એસપી રીંગ રોડ કમોડ ચાર રસ્તા પાસે વોચમાં ગોઠવાયા હતા. બાતમી વાળું પીકઅપ ડાલુ આવતાની સાથે જ એક ગાડીમાં કેટલાક કોન્સ્ટેબલ પાછળ ગયા હતા અને બીજી ગાડી આગળ જઈને તેને કોર્ડન કરી રોકવા માટે ગઈ હતી.
પીકઅપ ડાલુના ડ્રાઇવર તેને આગળ જવાનો પ્રયત્ન કરવા જતા ડ્રાઇવરને શંકા જતી રહી હતી. જેથી કમોડ ચાર રસ્તાથી આગળ રામદેવ હોટલથી આઈ માતા હોટેલ પહેલા રોડની સાઈડમાં ગાડી ઉભી રાખી અને ઉતરીને અંધારાનો લાભ લઈ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને પકડવા દોડી હતી પરંતુ તે નાસી ગયો હતો. પોલીસે પીકઅપ ડાલુ અંગે તપાસ કરતા સેફ એક્સપ્રેસ કમ્પલેટ લોજિસ્ટિક સોલ્યુશન્સ ડીસ્ટ્રીબ્યુશન લખેલું પિકઅપ ડાલુ હતું
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ