
સુરત, 21 જુલાઈ (હિ.સ.) સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં સંજય નાયકના સારવાર દરમિયાન થયેલા મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે દર્દીને સામાન્ય તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ દિવસોમાં તેમનું મોત થયું. ઘટનાથી આઘાતમાં આવેલા પરિવારના સભ્યોએ હોસ્પિટલ સામે તબીબી બેદરકારીનો આક્ષેપ કરતાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મૃતકની પત્ની અને બે પુત્રોના કરૂણ વિલાપથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મૃતકના ભાણિયાના જણાવ્યા અનુસાર, સંજયભાઈને માત્ર ગભરામણની ફરિયાદ હોવાથી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને ICU અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને અંતે તેમના મોતના સમાચાર મળ્યા. પરિવારનો દાવો છે કે સારવાર દરમિયાન તેમને યોગ્ય માહિતી આપવામાં આવી નહોતી અને તમામ ખર્ચ ચૂકવ્યા છતાં અંતે મૃતદેહ જ સોંપવામાં આવ્યો. પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
બીજી તરફ, કિરણ હોસ્પિટલના CEO ડૉ. હર્ષદ જોશીએ પરિવારના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ દર્દી અગાઉથી જ ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલમાંથી અહીં લાવવામાં આવ્યા હતા અને તેમના લિવર તથા કિડની બંને નિષ્ફળ થઈ ચૂક્યા હતા. હોસ્પિટલનું કહેવું છે કે શરૂઆતથી જ દર્દીની ગંભીર સ્થિતિ અંગે પરિવારને જાણ કરવામાં આવી હતી તેમજ જરૂરી હોય તો અન્યત્ર લઈ જવાની સલાહ પણ આપવામાં આવી હતી. હોસ્પિટલના મતે પરિવાર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે