સુરત ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય કરમસિંઘ કર્માની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ
સુરત,21 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ(NCSK) સભ્ય કરમસિંઘ કર્માની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સફાઈ કામદાર મંડળોના પ્રતિનિધ
સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક


સુરત,21 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ(NCSK) સભ્ય કરમસિંઘ કર્માની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સફાઈ કામદાર મંડળોના પ્રતિનિધિઓ તેમજ શહેરી સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં અધ્યક્ષએ સુપ્રીમ કોર્ટના મેન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદા વિષે જણાવી માનવહાનિ અટકાવવા તેનું ચોક્કસપણે પાલન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સફાઈ કર્મચારી મંડળોના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી હતી. કામદારોના સંગઠનો દ્વારા કરાયેલી કામના કલાકો, પગાર ભથ્થાં, બોનસ, મેડિકલ સહાય, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, કામ સમયે કામદારોની સુરક્ષા માટેના સાધનો અને પોશાક સહિતની બાબતોની રજૂઆત અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આયોગના સભ્યએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓના હકોનું રક્ષણ, સુરક્ષા અને સર્વાંગી કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા છે અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં.

વધુમાં તેમણે વડાપ્રધાનની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા વિષે જણાવી કામદારોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના વડાપ્રધાનના પ્રયાસો તેમજ દેશભરના સફાઈ કામદારોની આર્થિક, સામાજિક ઉન્નતિ અને તેમના કલ્યાણ માટે કાર્યરત રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ વિષે માહિતગાર કર્યા હતા.

કર્માએ સફાઈ કામદારોના ઉત્થાન માટે સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓનો દરેક કામદાર સુધી મહત્તમ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સુચિત કર્યા હતા.

કર્માએ વરાછા, ખાંડબજાર સ્થિત રૂતબા જવેલર્સની ફેકટરીમાં ટાંકીની સાફ-સફાઈ દરમિયાન મૃત્યુ પામેલા હતભાગી મૃતકોના પરિજનો સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. ફેકટરીના માલિક સાથે દુર્ઘટના જાનહાની પેટે ચોક્કસ વળતર આપવા, પોલીસ વિભાગને પણ તપાસ સઘન કરવા અને જાનહાનિના કારણો અંગે પૃચ્છા કરી હતી.

જિલ્લા કલેક્ટર તેજસ પરમારે વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓને અધ્યક્ષની સૂચના અનુસાર ત્વરિત કામગીરી કરવા જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande