
સુરત, 21 જુલાઈ (હિ.સ.) શહેરમાં મોડીરાતથી સતત વરસી રહેલા વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી માહોલથી એક તરફ લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના પરિણામે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
વરસાદના એલર્ટ વચ્ચે શહેરની પાંચ મુખ્ય ખાડીઓમાંથી ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી છે. ખાડીની ડેન્જર લેવલ 7.20 મીટર સામે હાલ જળસ્તર 7.30 મીટર નોંધાતા અલથાણ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો ઊભો થયો છે. ખાડી નજીકના માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
બીજી તરફ, ઉધના-નવસારી રોડ પર ચારથી પાંચ ઇંચ જેટલું પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા, જેના કારણે ઓફિસ જતાં કર્મચારીઓ અને રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે