
ગૌહાટી, નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.). આસામ અને પડોશી રાજ્યો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ વગેરે રાજ્યોમાં સતત થઈ રહેલા વરસાદને કારણે આસામમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (એએસડીએમએ) દ્વારા 21 જુલાઈએ જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં એક દિવસમાં કુલ 21 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 34 થઈ ગઈ છે. આસામમાં ભયજનક સપાટીથી ઉપર વહેતી નદીઓમાં બ્રહ્મપુત્ર નદી (નિમાતીઘાટ), બુઢીદિહિંગ (ચેનીમારી, ખોવાંગ), ધનસિરી (ગોલાઘાટ, નુમાલીગઢ) નો સમાવેશ થાય છે.
પૂરના ઉચ્ચતમ સ્તરથી ઉપર વહેતી નદીઓમાં દિખૌ (શિવસાગર), દિસાંગ (નાંગલામુરાઘાટ) નો સમાવેશ થાય છે. પૂરને કારણે હાલમાં કુલ 16 જિલ્લા પ્રભાવિત થયા છે. જેમાં ગોલાઘાટ, કામરૂપ, હોજાઈ, ડિબ્રુગઢ, બિસ્વનાથ, ધેમાજી, શોણિતપુર, ઉદાલગુરી, નગાંવ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ, તિનસુકિયા, કાર્બી આંગલોંગ, લખીમપુર અને શિવસાગરનો સમાવેશ થાય છે. પૂરને કારણે 16 જિલ્લાના 44 મહેસૂલી મંડળોના કુલ 872 ગામો પ્રભાવિત થયા છે. રાજ્યની કુલ 564660 વસ્તી અને 24210.35 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબી ગઈ છે.
રાજ્ય સરકારે પૂરથી પ્રભાવિત લોકો માટે કુલ 71 રાહત શિબિરો અને 202 રાહત વિતરણ કેન્દ્રો સહિત કુલ 273 શિબિરો સ્થાપિત કર્યા છે. રાહત શિબિરોમાં 12284 લોકોએ આશ્રય લીધો છે, જ્યારે રાહત વિતરણ કેન્દ્રો પર 100318 બિન-શિબિર નિવાસીઓ રાહત મેળવી રહ્યા છે.
પૂરને કારણે 21 જુલાઈએ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 21 નોંધાઈ, જેમાં ગોલાઘાટમાં 2 (પુરુષ), જોરહાટમાં 1 (મહિલા), ચરાઈદેવમાં 5 (3 પુરુષ, 1 બાળક અને 1 બાળકી), શિવસાગરમાં 13 (7 પુરુષ, 4 મહિલા, 1 બાળક, 1 બાળકી) નો સમાવેશ થાય છે. તેમજ પૂરથી પ્રભાવિત પ્રાણીઓની કુલ સંખ્યા 185029 નોંધાઈ છે, જેમાં મોટા 61747, નાના 92578 અને મરઘા-બતકાં 30704 નોંધાયા છે. આ દરમિયાન પૂરના પાણીમાં કુલ 107 પ્રાણીઓ તણાઈ ગયા, જેમાં મોટા 83, નાના 04 અને મરઘા-બતકાં 20 હોવાનું જણાવાયું છે. આ દરમિયાન પૂરના પાણીને કારણે મંગળવારે જોરહાટ જિલ્લામાં આંશિક રીતે 15 પાકાં મકાનોને નુકસાન થયું.
પૂર રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, ડીડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ (એફ એન્ડ ઇએસ), સર્કલ કાર્યાલય/સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સુરક્ષા/પ્રશિક્ષિત સ્વયંસેવકો અને અગ્નિશમન વિભાગ કાર્યરત છે. આ દરમિયાન પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય સરકારે કુલ 89 મેડિકલ ટીમોને તૈનાત કરી. આ દરમિયાન 50 બોટ પણ રાહત કાર્યમાં લાગી રહી. પૂરના પાણીમાં ફસાયેલા 6101 લોકોને બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. તેમજ 20 પ્રાણીઓને પણ બોટ દ્વારા સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા. પૂરથી ખરાબ રીતે પ્રભાવિત શિવસાગર જિલ્લામાં રાહત કાર્યમાં બે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા.
પૂર પ્રભાવિતો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ચોખા (ક્વિન્ટલમાં): 5011.072, દાળ (ક્વિન્ટલમાં): 956.526, મીઠું (ક્વિન્ટલમાં): 265.1777, મસ્ટર્ડ ઓઇલ/સરસવનું તેલ (લિટર માં): 20115.4205 સાથે જ પશુઓનો ચારો - ઘઉંનો ભૂસો (ક્વિન્ટલમાં): 464.31 અને પશુઓનો ચારો - ચોખાનો ભૂસો (ક્વિન્ટલમાં): 72.42 રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. પૂરને કારણે મોટા પાયે રસ્તાઓ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ