

વડોદરા, 22 જુલાઈ (હિ.સ.) : વડોદરામાં ચોમાસાની શરૂઆત સાથે જ પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલ્લી પડી રહી છે. પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં તૂટેલા ગટરના ઢાંકણામાં ઓટો રિક્ષા ફસાઈ જતાં મોટો અકસ્માત ટળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
વડોદરાના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં બાવામાન દાદાની દરગાહ નજીક આજે એક ગંભીર અકસ્માત થતાં થતાં રહી ગયો. ચોમાસાના વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ જતાં તૂટેલું ગટરનું ઢાંકણું નજરે ન પડતાં ઓટો રિક્ષાનું એક વ્હીલ સીધું ગટરમાં ફસાઈ ગયું હતું. રિક્ષા ફસાતા આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને રિક્ષાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં રિક્ષાચાલકને કોઈ ઈજા પહોંચી નહોતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બાવામાન દાદાની દરગાહ પાસે ગટરનું ઢાંકણું લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે. વરસાદ પડતાં અહીં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો અને ગટર વચ્ચેનો ભેદ સમજાતો નથી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આજે તો માત્ર રિક્ષા ફસાઈ છે, પરંતુ આવતીકાલે કોઈ બાઈકચાલક, રાહદારી કે બાળક અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે?
સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાને તાત્કાલિક તૂટેલા ગટરના ઢાંકણાનું સમારકામ કરવા અને વરસાદી મોસમમાં અકસ્માત ટાળવા જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ