ભાજપ બોટાદ જિલ્લા કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ
ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે ભાજપ બોટાદ જિલ્લા કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોને દેવતુલ્ય માનવાની પરંપરાને જાળવી રાખતા આ કાર્યક
વૃક્ષારોપણ


ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે ભાજપ બોટાદ જિલ્લા કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોને દેવતુલ્ય માનવાની પરંપરાને જાળવી રાખતા આ કાર્યક્રમમાં સાધુ-સંતોના પવિત્ર સાનિધ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણનું જતન, વૃક્ષોનું મહત્વ અને ભાવિ પેઢી માટે હરિયાળું વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી મંગળસિંહ ટાંક સહિત હોદ્દેદારો, યુવા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એક વૃક્ષ વાવી તેની જાળવણી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં વિવિધ પ્રકારના છાયાદાર અને ફળાઉ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

મહામંત્રી મંગળસિંહ ટાંકે જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવતા નથી, પરંતુ માનવજીવન માટે પ્રાણવાયુ, શુદ્ધ હવા અને સ્વસ્થ જીવનનું આધારસ્તંભ છે. વધતા પ્રદૂષણ અને ઘટતા જંગલ વિસ્તારને ધ્યાનમાં રાખીને સમાજના દરેક વ્યક્તિએ વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવું જરૂરી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા કાર્યકર્તાઓએ પણ પર્યાવરણ બચાવવા વધુમાં વધુ વૃક્ષો વાવવાની અને તેનું સંરક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. બોટાદ જિલ્લા કિસાન મોરચાની આ પહેલને સ્થાનિક લોકોએ પણ આવકારી હતી અને ભવિષ્યમાં આવા વધુ પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande