ટુંડાવ ગામેથી 12 પાસ બોગસ ડૉક્ટર ઝડપાયો, ઘરમાં ક્લિનિક ચલાવી કરતો હતો એલોપેથિક સારવાર
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટુંડાવ ગામમાંથી આરોગ્ય વિભાગ અને ઊંઝા પોલીસે સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી વિજય બારોટ માત્ર 12 પાસ હોવા છતાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે નોંધણી વગર પોતાન
ટુંડાવ ગામેથી 12 પાસ બોગસ ડૉક્ટર ઝડપાયો, ઘરમાં ક્લિનિક ચલાવી કરતો હતો એલોપેથિક સારવાર


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટુંડાવ ગામમાંથી આરોગ્ય વિભાગ અને ઊંઝા પોલીસે સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી વિજય બારોટ માત્ર 12 પાસ હોવા છતાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે નોંધણી વગર પોતાના ઘરમાં ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથિક સારવાર આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આરોગ્ય વિભાગને મળેલી માહિતીના આધારે ક્લિનિક પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વિવિધ પ્રકારની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન તેમજ સારવારમાં ઉપયોગી સાધન-સામગ્રી મળી આવી હતી. પોલીસે કુલ અંદાજે રૂ. 17,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી કોઈપણ કાયદેસર લાયકાત વિના લોકોની સારવાર કરીને તેમના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતો હોવાનું સામે આવ્યું છે.

આ મામલે ઊંઝા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે સારવાર માટે માત્ર નોંધાયેલ અને લાયકાત ધરાવતા ડૉક્ટરોનો જ સંપર્ક કરવો. અજાણ્યા અથવા શંકાસ્પદ ક્લિનિકમાં સારવાર લેતા પહેલાં ડૉક્ટરની લાયકાત અને નોંધણીની ખાતરી કરવી જરૂરી છે, જેથી આવા બોગસ તબીબોના ચંગુલમાં ફસાવાથી બચી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande