
નવસારી, 22 જુલાઈ (હિ.સ.) નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મીડિયા સમક્ષ વિગતો આપતાં જણાવાયું હતું કે, જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. આજે 22 જુલાઈ 2026ના સવારે 10:00 વાગ્યા સુધીમાં નવસારીમાં 2 ઈંચ,જલાલપોર 2 ઈંચ, ગણદેવી 2.7 ઈંચ, ચીખલી તાલુકામાં 3 ઈંચ, ખેરગામમાં 2.76 ઈંચ તેમજ અન્ય વિસ્તારોમાં 2.72 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં સરેરાશ સાડા છ (6.5) ઈંચ જેટલો વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ ચીખલી અને વાંસદા તાલુકામાં લગભગ 10-10 ઈંચ તથા ખેરગામમાં 8 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાની પાંચ વર્ષની સરેરાશ 91 ઈંચ વરસાદની સરખામણીએ ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં 48 ઈંચ એટલે કે 53 ટકા જેટલો કુલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
વધુમાં કલેકટર દ્વારા જણાવ્યું કે , હવામાન વિભાગ દ્વારા સમગ્ર નવસારી જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હોય, નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ આઈ.ટી.આઈ. (ITI) માં આજનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ પૈકી કાવેરી નદી પોતાની 19 ફૂટની ભયજનક સપાટી વટાવીને હાલ 21 ફૂટની ઊંચાઈ પર વહી રહી છે, જેના પર તંત્ર દ્વારા સતત અને સઘન નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.
ભારે વરસાદ અને નદીઓના વહેણને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર શરૂ કરી દેવાયું છે. જે અંતર્ગત બીલીમોરા નગરપાલિકાના દેશરા કુંભારવાડમાંથી 42 લોકોને દેશરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાત્રકવેલા વિસ્તારમાંથી 11 લોકોને ગણદેવી ફાયર સ્ટેશન હોલ ખાતે તેમજ ચીખલીના નદી મોહલ્લા અને હરણ ગામમાંથી 137 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 190 જેટલા લોકોને આશ્રયસ્થાનોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સ્થળાંતરની કામગીરી નિરંતર ચાલી રહી છે.
કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસ.ડી.આર.એફ. (SDRF) ની 2 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, જે પૈકી એક ટીમ નવસારીના ઈટાળવા અને બીજી ટીમ બીલીમોરા ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડબાય રખાઈ છે.
નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી અવરજવર કે પ્રવાસ ટાળવો અને કોઈ પણ આફતના સમયે તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરી જાણ કરવી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે