અમદાવાદમાં નીટ મુદ્દે કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે કોંગ્રેસ-ભાજપ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
- કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા-ઈમરાન ખેડાવાલા સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મેદાને અમદાવાદ, 22 જુલાઇ (હિ.સ.) : દિલ્હીમાં NEET પેપર લીક મુદ્દે વડાપ્રધાન આવાસ બહાર કોંગ્રેસના પ્રદર્શન બાદ હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. અમદાવાદમાં કોંગ
High voltage drama between Congress and BJP


- કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા-ઈમરાન ખેડાવાલા સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મેદાને

અમદાવાદ, 22 જુલાઇ (હિ.સ.) : દિલ્હીમાં NEET પેપર લીક મુદ્દે વડાપ્રધાન આવાસ બહાર કોંગ્રેસના પ્રદર્શન બાદ હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે આજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં ભારે રાજકીય ઘર્ષણ સર્જાયું હતું.

બે દિવસ પહેલા એલિસબ્રિજ પાસે વિરોધ કરવા આવેલા સ્ટુડન્ટ્સ અને સ્થાનિકોની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ આજે કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી જતાં મામલો વધુ ગરમાયો છે.

દિલ્હીના પ્રદર્શનના વળતા જવાબમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ઘેરાવ કરીને ધામા નાખ્યા હતા, તો સામે પક્ષે કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને કાર્યકરોએ સીડીઓ પર મોરચો સંભાળી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આજે વહેલી સવારે કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે NEET મુદ્દે ધરણા અને ત્યારબાદ આક્રમક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી હજુ ચાર રસ્તા પાસે પહોંચી ત્યાં જ સ્થિતિ વણસી હતી. ઉશ્કેરાયેલા કોંગ્રેસ કાર્યકરો પોલીસ વાહનો પર ચઢી ગયા હતા, જેથી તેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડીઓ પર ચઢવું પડ્યું હતું. ધારાસભ્ય અમિત ચાવડા અને ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરતી વખતે ભારે મશક્કત કરવી પડી હતી અને પોલીસે ત્રણ બસો ભરીને કાર્યકરોની અટકાયત કરી હતી.

NEET પરીક્ષા અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ ન્યાયની માગ સાથે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. દિલ્હીમાં રાહુલ ગાંધીના પ્રદર્શનના વિરોધમાં બપોરે 2 વાગ્યાની આસપાસ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પ્લે કાર્ડ્સ લઈને કોંગ્રેસ કાર્યાલયે પહોંચ્યા હતા.

ભાજપના કાર્યકરોએ રોડ પર બેસીને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા. સામે પક્ષે કોંગ્રેસના નેતાઓ પણ કાર્યાલયની સીડીઓ પર ગોઠવાઈ ગયા હતા અને મોદી-શાહ હાય હાય તથા ચોકીદાર ચોર હૈના નારા લગાવતા માહોલ અત્યંત તંગ બની ગયો હતો. અંદાજે એક કલાક સુધી ચાલેલા આ ભારે સૂત્રોચ્ચાર બાદ ભાજપના નેતાઓ પરત ફર્યા હતા.

પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

જેસીપી, ડીસીપી સહિતનો મોટો પોલીસ કાફલો, SRPના જવાનો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સ્થળ પર ખડકી દેવામાં આવી હતી. અણધારી ઘટના ટાળવા પોલીસે કોંગ્રેસ કાર્યાલયના મુખ્ય ગેટ બંધ કરાવી કાર્યકરોને અંદર જ રહેવા સૂચના આપી હતી. આખી ઘટના પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે પરંતુ શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande