
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા યુજીસીની માર્ગદર્શિકા મુજબ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેન્ટર વિદ્યાર્થીઓને માનસિક તણાવ, સંઘર્ષ અને અન્ય સમસ્યાઓમાં માર્ગદર્શન આપશે.
કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વર્ષ દરમિયાન જાગૃતિ વર્કશોપ યોજવા અને સમાજ કાર્ય વિભાગ હેઠળ કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત કરવાની યોજના પર ચર્ચા કરવામાં આવી. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે આગામી માસમાં વિશેષ વર્કશોપ પણ યોજાશે.
કાઉન્સેલિંગ સેન્ટરની કામગીરી માટે રચાયેલી સમિતિમાં ડો. ભરત વૈદ, મનોચિકિત્સક ડો. શ્વેતાબેન મોદી, ડો. પરીક્ષિત રાવ, ડો. પ્રહલાદ પ્રજાપતિ અને ડો. રોશન અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ વિદ્યાર્થીઓને અસરકારક માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ કરાવવા માટે કામગીરી કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ