


ગાંધીનગર,22 જુલાઈ (હિ.સ.) કોરોના મહામારીમાં પોતાની ચિંતા કર્યા વગર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના કર્મયોગીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. આ સમયગાળામાં ફરજ પર સંક્રમિત થયેલા અને અવસાન પામેલા ડ્રાઇવર, કંડક્ટર સહિત 115 કર્મચારીઓના પરિવારોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 25 લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકારમાં વહિવટી અને કાયદાકીય નિર્ણયો કાયદાની ચોપડીઓ અને નિયમો જોઈને લેવાતા હોય છે. નિગમના કર્મચારીઓને કાયદાકીય અને વહિવટી નિયમો પ્રમાણે આવી સહાય આપવી તે એક અલગ અને જટિલ વિષય હતો. પરંતુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોપડીઓ કે નિયમો જોવાને બદલે 'દિલ'થી સંવેદનશીલ નિર્ણય લીધો હતો. નિગમના કર્મયોગીઓએ પોતાના જીવના જોખમે આપેલી અમૂલ્ય સેવાઓને માનવતાની દ્રષ્ટિએ બિરદાવીને સરકારે તેમને ખાસ કિસ્સામાં 'કોરોના વોરિયર્સ' ગણી આર્થિક સહાય મંજૂર કરી છે.
તેમણે કહ્યું કે કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકો ઘરમાં હતા ત્યારે ST ના ડ્રાઇવર, કંડક્ટર, ક્લાર્ક અને મેનેજર સહિતના કર્મચારીઓએ પોતાના પરિવારની પરવા કર્યા વગર નાગરિકોની સુવિધા માટે ફરજ બજાવી હતી. તેમનું આ અમૂલ્ય બલિદાન સરકાર કાયમ યાદ રાખશે.
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. પરંતુ ST પરિવાર ગઈકાલે પણ અમારો પરિવાર હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ 115 થી વધુ પરિવારોની નાની-મોટી તકલીફમાં અમારી સરકાર પરિવારના સભ્ય તરીકે હરહંમેશ પડખે ઊભી રહેશે.
આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળી, અગ્ર સચિવ હરિત શુક્લા અને વાહન વ્યવહાર કમિશનર રાજેન્દ્ર કુમાર, GSRTC ના ઉચ્ચ અધિકારીઓ, વાહનવ્યવહાર વિભાગના પ્રતિનિધિઓ તેમજ મૃતક કર્મચારીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ